સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

સોની યુવકના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

ગુજરાત : મુંબઈમાં રહેતા જીજ્ઞેશ ધકાણની સાવરકુંડલાના ઓળીયા ગામમાં તા. ૦૬/૦૬/૨૦૨૦ના હત્યા થઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો મુંબઈમાં રહેતા જીજ્ઞેશ દિનેશ ધકાણ લોકડાઉન સમયમાં ઓળીયામાં તેના કાકા ધીરુભાઈ ધકાણના ઘરે રહેતો તે સમયે રાત્રીના સમયે તે શનિદેવ આશ્રમમાં સૂતો હતો ત્યારે કોઈએ તેના માથામાં લોખંડના સળીયાથી માર મારી તેની હત્યા કરી હતી. આ બાબતે આશ્રમના મહંતએ જણાવ્યું હતું કે વૃષાંત ઉર્ફે શ્યામ ધનેશાને આશ્રમમાંથી ભાગતા જોયો હતો એ આધારે એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં એલસીબીના અધિકારી આર.સી. કરમટા અને મહિલા પીએસઆઈ એ.પી. ડોડિયાએ તપાસ આદરી થોડા સમયમાં આરોપી વૃશાંતની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે એક રીઢો ચોર છે અને ચોરીના અસંખ્ય ગુન્હા તેની પર નોંધાયેલ છે. તે આશ્રમમાં હતો ત્યારે મૃતક જીગ્નેશે તેના ફોનનું રિચાર્જ કરાવ્યું હતું જેના સંદર્ભમાં રાજકોટ પોલીસે જીગ્નેશને ફોન કરીને વિગત આપતા કહ્યું હતું કે આ વ્યક્તિ ચોર છે. હાલ ફરાર છે જેથી જીગ્નેશે વૃશાંતને પકડવાનો પ્રયત્ન કરતા તે ત્યાંથી ભાગી છૂટયો હતો અને જીગ્નેશને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રીના સમયે જીજ્ઞેશ આશ્રમમાં સૂતો હતો ત્યારે વૃષાંતે હત્યા કરવાના ઇરાદાથી તેની પર લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો જેમાં જીગ્નેશને મૃત્યુ થયું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટે સરકારી વકીલ વિકાસ વડેરાની આકરી દલીલ કરતા અને સમાજમાં એક દાખલો બેસાડવા અધિ. સેશન્સ જજ ભૂમિકાબેન ચંદારાણાએ આરોપી વૃષાંત ઉર્ફે શ્યામ ધનેશાને હત્યાના આરોપમાં આઇપીસી ૩૦૨ હેઠળ આજીવન કેદ, પુરાવાનો નાશ કરવાના ગુન્હામાં ત્રણ વર્ષની સજા અને ૧૮.૦૦૦નો દંડ ફટકાર્યો હતો.