"પોલીસ વ્યસ્ત લૂંટારા મસ્ત" રાજકોટમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ રકમ અને એક્ટિવાની લૂંટ ચલાવી

રાજકોટ : શનિવારે રાતે વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી બે શખ્સ રોકડ ભરેલા થેલાની સાથે તેમનું એક્ટિવાની પણ લૂંટ ચલાવી નાસી છૂટતા મેરેથોનમાં વ્યસ્ત પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. બી.જે.ચૌધરી ( એસીપી રાજકોટ )એ માહિતી આપતા કહ્યું હતું કે બનાવને પગલે માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લૂંટના બનાવની વિગત મુજબ સૂર્યોદય સોસાયટીમાં રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર કટલેરીનો વેપાર કરતા જિતેન્દ્ર દુધાત્રા નામના વેપારી શનિવારે રાતે દુકાન બંધ કરી તેમના એક્ટિવા પર ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન ઘરથી 500 મી. દૂર પહોંચ્યા ત્યારે બે શખ્સે તેમને આંતર્યા હતા. જિતેન્દ્રભાઇ હજુ કંઇ સમજે કે વિચારે તે પહેલાં જ બે શખ્સે અચાનક તેમની આંખમાં મરચાંની ભૂકી છાંટી હતી. જેને કારણે વેપારી એક્ટિવા પરથી પડી ગયા હતા. આ સમયે આશરે 30 થી 35 વર્ષની ઉંમરના બે શખ્સે એક્ટિવામાં રાખેલા અંદાજિત પોણા બે લાખની રોકડ ભરેલા થેલાની સાથે એક્ટિવાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ બાદ જિતેન્દ્ર દુધાત્રા સ્વસ્થ થતાની સાથે જ તુરંત તેમના પરિવારજનોને અને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા તુરંત માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ આઇ.એન.સાવલિયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બીજી તરફ નાઇટ મેરેથોનના બંદોબસ્તમાં વ્યસ્ત ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ પણ તુરંત બનાવ સ્થળે દોડી ગયા હતા. પોલીસે વેપારી જિતેન્દ્ર દુધાત્રાની પૂછપરછ કરી બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરી છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી
રાજકોટ