રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આઝાદીના અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત જન્મભૂમિ ચોટીલા ખાતે 5000 ચો. મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ. 29.51 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ. 3.39 કરોડના ખર્ચે વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનાર છે.  
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ સૌરાષ્ટ્રની રસધાર અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. પિનાકી મેઘાણી દ્વારા સ્થાપિત ઝવેચંદ મેઘાણીના જીવન અને કાર્યને આલેખતું માહિતીસભર સચિત્ર પ્રદર્શન અને મેઘાણી-સાહિત્ય કોર્નરને પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રસપૂર્વક નિહાળ્યાં હતાં. ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચોટીલા નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ ખાચર, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને કારોબારી ચેરમેન જગદીશભાઈ પરમાર, લોકકલાકારો પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને અભેસિંહ રાઠોડ, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (આઈપીએસ), સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. સી. સંપટ (આઈએએસ), રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવ એ. એસ. વસાવા (આઈએએસ), નાયબ પોલીસ અધિક્ષક ચેતનકુમાર મુંધવા, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંકકુમાર ગલચર (જીએએસ), ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી, પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજભાઈ શર્મા, મદદનીશ ગ્રંથાલય નિયામક આર. ડી. પરમાર અને લલિતભાઈ મોઢ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના પૂર્વ-ચેરમેન અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્થા સંઘના પ્રમુખ અને સમન્વય (રાજકોટ)ના મંત્રી અજયભાઈ દોશી, ઉદ્યોગ ભારતી (ગોંડલ)ના મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ)ના મંત્રી પરાગભાઈ ત્રિવેદી, ઈતિહાસવિદ્‌ રામકુભાઈ ખાચર, મામલતદાર નિકુંજભાઈ ધૂળા (ચોટીલા), અરૂણભાઈ શર્મા (થાન) અને ભૂપેન્દ્રભાઈ લખતરીયા (મૂળી), તાલુકા વિકાસ અધિકારી ઠક્કર (ચોટીલા), જ્યોતિબેન બોરીચા (થાન) અને ગઢવી (મૂળી), ચોટીલા પોલીસ ઈન્સપેકટર જે. જે. જાડેજા, પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરીના સિધ્ધાબેન શાહ, કિરણભાઈ વારીયા, ભારતભાઈ શાહ અને હાર્દિકભાઈ જોષી, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના વિમલભાઈ ગોસ્વામી, અનિશભાઈ લાલાણી અને રિંકલબેન કચ્છી, સંગ્રહાલયનું નિર્માણ કરનાર દેશની અગ્રગણ્ય એજન્સી વામા કોમ્યુનિકેશન્સ (અમદાવાદ)ના વંદનાબેન રાજ, ભાવિકભાઈ પટેલ, સ્નેહલભાઈ રાણા અને કૃષ્ણકાંતભાઈ દેસાઈ, પુસ્તકાલયનું નિર્માણ કરનાર એજન્સી એઆરજી ક્રિએશન્સ પ્રા.લિ.ના અવિનાશભાઈ ગોયલ, ઉગ્રસેનસિંહ ગોહિલ, ભરતસિંહ ડાભી, અનિરુદ્ધસિંહ ચાવડા, રમેશભાઈ બદ્રેશિયા, દર્શનભાઈ બદ્રેશિયા, અનવરભાઈ ઠેબા, હસુભાઈ ઘાઘરેટિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.  

લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીએ આજીવન ખાદી ધારણ કરી હોવાથી અગ્રગણ્ય ખાદી સંસ્થાઓ તરફથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાથ-વણાટની ખાદીની શાલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ મુળુભાઈ બેરા અને હર્ષભાઈ સંઘવી તથા અધિકારીઓ પ્રત્યે પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ 1896 (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્મ સંવત 1952)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. પિનાકી મેઘાણીની વિનંતીને માન આપીને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2010માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બે-ખંડનાં ઐતિહાસિક જન્મસ્થળનાં મકાનને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું જે ખાસ ઉલ્લેખનીય છે. ચામુંડા માતાજીનાં તીર્થધામ તરીકે ચોટીલા જગવિખ્યાત તો છે જ, પણ સાંસ્કૃતિક-તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામશે. સમગ્ર વિશ્વમાંથી અહિની મુલાકાતે આવનાર ભાવિકો અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત-પ્રેરિત થશે તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્કાર-સિંચન થશે તેવી શ્રધ્ધા છે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 તેમજ શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ‌) સ્થિત જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસનો પણ સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે.
આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી * ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.  9825021279)