સવાયા ગુજરાતી એટલે રંગભૂમિ, ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનયના ઓજસ પાથરનાર સરિતા જોશી

સવાયા ગુજરાતી એટલે રંગભૂમિ, ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનયના ઓજસ પાથરનાર સરિતા જોશી (પહેલાં: ભોંસલે) (જન્મ: ૧૭ ઓક્ટોબર, ૧૯૪૧) એ ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર છે. તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેબીમાં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી આજે પણ રંગભૂમિ અને ટેલીવિઝન તથા બીજી ઈતર પ્રવૃત્તિમાં રત છે.

પારિતોષિક :
૧૯૮૮માં તેઓએ ભારતની સંગીત, નૃત્ય અને નાટકની રાષ્ટ્રિય અકાદમી એવી સંગીત નાટક અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ ગુજરાતી નાટકોમાં અભિનય માટે મેળવ્યો હતો.

બાળપણ અને શિક્ષણ
વાત ગુજરાતને ગૌરવ પ્રદાન કરનાર મહિલાઓની હોય અને ત્યારે જન્મે મરાઠી એવાં સરિતા જોશીનું નામ વિસરાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. એ બાબત જ દર્શાવે છે કે ગુજરાતી સમાજ જીવનમાં તેમનું પ્રદાન કેટલું અદકેરું, કેટલું સવાયું હશે! પૂણેના ભીમરાવ ભોંસલેના પુત્રી સરિતાનો ઉછેર વડોદરામાં થયો. તેમનાં પિતા બેરિસ્ટર હતા અને સાહ્યબી, સુવિધા વચ્ચે તેમનું બાળપણ પાંગર્યું હતું. પરંતુ પછી આકસ્મિક સંજોગોમાં પરિવારની સમૃદ્ધિ છીનવાઈ ગઈ ત્યારે અભિનય જ તેમનાં માટે આજીવિકાનું નિમિત્ત બન્યો હતો.

રંગભૂમિ ક્ષેત્રે પ્રદાન
માત્ર ૬ વર્ષની વયથી રંગમંચ પર પદાર્પણ કરી ચૂકેલા સરિતા જોશીએ એટએટલાં નાટકોમાં બહુવિધ ભૂમિકાઓ ભજવી છે કે ઈન્ડિયન નેશનલ થિયેટર અને સરિતા જોશી બંનેનો ઉલ્લેખ અનિવાર્યપણે એકમેક સાથે કરવો પડે. સંતુ રંગીલી નાટકમાં તેમણે કરેલી સંતુની ભૂમિકા એટલી લોકપ્રિય બની ગઈ કે આજપર્યંત સંતુ અને સરિતા બંને એકબીજાથી અલગ પાડવા મુશ્કેલ થઈ પડે છે. એ સિવાય તેમણે ધુમ્મસ, કોઈ ભીંતેથી આયના ઉતારો જેવા નાટકો ભારે લોકપ્રિય નીવડ્યા હતા.
વણકહી વાત :
સંતુ રંગીલી નાટકમાં સંતુના મોંએ લેખક મધુ રાયે એક લાંબો જોડકણા જેવો ડાયલોગ મૂક્યો હતો. આશરે સાતેક મીનિટ લાંબી આ એકોક્તિમાં માત્ર ઉચ્ચાર અને હાવભાવ વડે સરિતા જોશીએ એવો આબાદ અભિનય કર્યો કે લોકો નાટકના આ ડાયલોગને જ આઠ-દસ વાર વન્સમોર આપતાં હતાં.
સરિતા જોશીના બહેન પદ્મારાણી પણ રંગભૂમિના એટલાં જ પ્રખ્યાત અભિનેત્રી હતા. સરિતાના લગ્ન પ્રવિણ જોશી સાથે થયા હતા, જેઓ નામાંકિત દિગ્દર્શક હતા. સરિતાની બંને પુત્રીઓ કેતકી અને પૂર્વી પણ અભિનેત્રી તરીકે જાણીતા છે. અભિનેતા શર્મન જોશી સરિતા જોશીના ભત્રીજા છે.
સંકલન : હરેશ ગાલા