સૌરાષ્ટ્રની અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

સૌરાષ્ટ્રની અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

અમદાવાદ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે ઢાંકપિછોડા કરવાનો ખેલ શરૂ કરતાં અનેક સવાલો ઉઠ્યા છે તો યુવા ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવાતી હતી કે ખેલાડીઓ નશાના ખપ્પરમાં ખુપ્યા છે તે પણ ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રની અન્ડર-23ની ટીમ ચંદીગઢમાં સી.કે.નાયડુ ટૂર્નામેન્ટનો મેચ રમવા ગઇ હતી અને ગત તા.25ના મેચ રમીને સૌરાષ્ટ્રના તમામ ખેલાડીઓ ફ્લાઇટમાં રાજકોટ આવી ગયા હતા જ્યારે તેમની કીટ સહિતનો સામાન ચંદીગઢ એરપોર્ટથી કાર્ગોમાં આવવાનો હતો, એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં સૌરાષ્ટ્રની ટીમના પાંચ ખેલાડી પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાર્શ્વરાજ રાણા અને સ્મિતરાજ ઝાલાની કીટમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, 23 વર્ષ અને તેની નાની વયના ખેલાડીઓની કીટમાંથી દારૂ બિયર મળતાં ખળભળાટ મચી ગયો હતો.અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ-પાંચ ખેલાડી કોના માટે દારૂ બિયર લઇને આવતા હતા ? તે જાણવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક કરતા તેઓએ વાતચીત ટાળી હતી, જો કે સિનિયર ક્રિકેટરો પોતાનો શોખ પોષવા અને નશો માણવા માટે જુનિયર ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવતા હોવાની ક્રિકેટ વર્તુળમાં ચર્ચા જાગી છે, એસોસિએશનના હોદ્દેદારો આ વાતને સમર્થન નથી આપી રહ્યા, જો આવું ન હોય તો યુવા ખેલાડીઓ નશામાં ગળાડૂબ થઇ રહ્યા છે? જે યુવા ખેલાડીઓની કીટમાંથી દારૂ બિયરનો જથ્થો મળ્યો તે જથ્થો તેઓ પોતાના માટે લઇ આવતા હતા? કે પોતાના સંબંધી અથવા પરિચિતો માટે દારૂની હેરાફેરી કરતા હતા આવા અનેક સવાલો ઉઠ્યા છે.અન્ડર-23ની ટીમ ચંદીગઢ ગઇ અને ત્યાંથી પરત ફરી ત્યારે તેમની સાથે તેમના કોચ રાકેશ ધ્રુવ પણ સાથે હતા, કોચની ભુમિકા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે, કોચની સહમતી સાથે યુવા ખેલાડીઓએ કાર્ગોમાં દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હતો?, યુવા ખેલાડીઓ નશો કરે છે કે દારૂની હેરાફેરી કરે છે તે અંગે કોચ અજાણ હતા કે તેઓના મૂક આશીર્વાદ હતા? આ મામલે પણ ભારે ચર્ચા શરૂ થઇ છે.જવાબદાર યુવા ખેલાડીઓ સામે કોઇ કાર્યવાહી કરાશે?, યુવા ખેલાડીઅો પાસે દારૂની હેરાફેરી કરનાર કોણ અને તેની સામે શું પગલાં લેવાશે? સહિતની બાબતો જાણવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હિમાંશુ શાહે શરૂઆતમાં પોતે અજાણ હોવાનું અને બાદમાં હોસ્પિટલના કામમાં વ્યવસ્ત હોવાના બહાના કાઢી સાચી હકીકત બહાર ન આવેતે માટેના ખેલ કર્યા હતા.

અહેવાલ:ભરત ભરડવા / રોહિત ભોજાણી
રાજકોટ