કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫

વિષય:- મનપસંદ
વિભાગ:- પદ્ય (ગા૧૪)
શીર્ષક:- માણસ છું


વાતો આજ ચડાવી છે મારી ચકડોળે જગતે,
હું ચોરે ને ચવટે ચર્ચાઇ ગયેલો માણસ છું.
પડઘા પડતા રહ્યા છે સતત કમાડે દર્દ તણા,
હું દર્દોની ટેવથી ટેવાઇ ગયેલો માણસ છું.
આડા-અવળા, વાંકા-ચૂકાં ગમતા રસ્તે દોડ્યો,
હું અંધારી ઓથે અટવાઇ ગયેલો માણસ છું.
રેલા જેમ પ્રવાહ બની બેઠો છું ઢાળવગો બસ,
હું રખડેલી રાહમાં રેલાઇ ગયેલો માણસ છું.
જાતે સળગાવી સૂકવ્યો છે સાગર સંસારનો,
હું ખાલીપા વચ્ચે ખોવાઇ ગયેલો માણસ છું.
અંતરના અજવાળે સ્વની શોધમાં ભૂલો પડ્યો,
હું ભીતરથી ભીતર ભટકાઇ ગયેલો માણસ છું.

મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ) ખેરાળી

વિષય :-મન પસંદ રચના
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-કાગળ ઉપર

કલમની આંખે વિહરતો રહ્યો મુક્ત મને કાગળ ઉપર,
ઈતિહાસ સાક્ષી છે છેતરાતો રહ્યો સંબંધોમાં કાગળ ઉપર.
પાંખ હોય તો હાંફી જાય, કપાઈ જાય, રોકાઈ જાય,
વિચારોની ગતિની શું વાત કરૂં, એ ના હંફાય કાગળ ઉપર.
કદી શાહીને, કદી આંસુને શોષતો રહ્યો મુજ હૃદય પર,
લોકો સમજયા શું સુંદર ગઝલ સજાવી છે કાગળ ઉપર.
નારીજાતી હંમેશા નરજાતી પર વ્હાલ કરે છે,
નમણી કલમ પર હું પણ વારી ગયો કાગળ ઉપર.
વાત એ છે કે ક્યારેક કોરો રહ્યો ક્યારેક વપરાયો,
ક્યારેક ચલણી નોટ બની ઊજળો થયો કાગળ ઉપર.
હિના મહેતા (સૃષ્ટિ)

વિષય: મન પસંદ રચના.
પ્રકાર: કાવ્ય. અછાંદસ.
શીર્ષક : અંતરનો ઉમળકો ખોવાયો છે….


અંતરનો ઉમળકો ખોવાયો છે, કોઈ શોધી રે આપો.
અંતરમાં અગોચર ખાલીપો છવાયો છે,
કોઈ ભરી રે આપો. નેજવું કરીને અહીં – તહીં જોયું,
મનનાં કો’અગમ ખૂણે સંતાયો છે…..
કોઈ શોધી રે આપો. નથી રહ્યો તે હવે નિમંત્રણમાં,
કાર્ડ – કંકોત્રીમાં શુષ્કપણે છપાયો છે…..
કોઈ શોધી રે આપો.
નથી રહ્યો હવે મહેમાનોનાં સ્વાગતમાં,
ચહેરે પ્લાસ્ટિકીયું સ્મિત બની પથરાયો છે…..
કોઈ શોધી રે આપો.
નથી રહ્યો રાસ ગરબાનાં તાલમાં, ડી.જે. નાં શોરમાં ખોવાયો છે…..
કોઈ શોધી રે આપો.
નથી રહ્યો રામ-વાટકા ને પાતળમાં,
ડીશોની થોકડીમાં ગોઠવાયો છે….
કોઈ શોધી રે આપો.
નથી રહ્યો પંગતની મોજ અને સ્વાદમાં,
બૂફેની લાઈનોમાં ગૂંચવાયો છે…..
કોઈ શોધી રે આપો.
નથી રહ્યો ઊર્મિઓની સાચુકલી છાલકમાં,
બસ, કેમેરાનાં ફ્લેશમાં મઢાયો રે…..
કોઈ શોધી રે આપો.


ભગવતી પંચમતીયા ‘રોશની’

વિષય : મન પસંદ
પ્રકાર : પદ્ય
શીર્ષક : ઊગતો રવિ કરે સાદ રે

ઊગતો રવિ કરે તને સાદ રે; જાગને મારા ધરતીપુત્ર આજ રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે…
ઝરમર ફોરાં વરસે તારે કાજ રે; ઊગમણેથી કરું તને સાદ રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે.
તું શીદને મુંઝાય મારા બાળ રે; રોજ રોજ લાવું નવી આશ રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે.
દિવસ રાત કરે તું તો એક રે; જગ કલ્યાણની છે તારે ટેક રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે.
ઊપજ સઘળી પરપેટ કાજ રે; તારા બાલુડાં માંડે મીટ આભ રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે.
સૂકી ડાળે પણ તું ખીલવી દે ધાન રે; જગ આખાનો તું તો છે તાત રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે.
કેમ આશ છોડે છે તું આજ રે? હું આપીશ હરપળ તારો સાથ રે,
તારી લીલુંડી વાડી જુએ વાટ રે.

નેહા બગથરીયા

વિષય-મનપસંદ
પ્રકાર -પદ્ય
શીર્ષક – જોયાં


જોયાં
(ગાગાગાગા ગાગાગાગા)
હૂંફે ઢાંકયાં શ્રીફળ જોયાં
આંખે સરતાં કાજલ જોયાં
આ જૂઓ લીલાં અરમાનો
લોકોને મેં હણતાં જોયાં
ઊર્મિઓની યાદો આંજી
વરસેલાં મેં વાદળ જોયાં
ભીની આંખો સંતાડીને
અભિનયથી મેં વિહવળ જોયાં
થીજેલી ભીની છાયામાં
યાદોનાં તો ઝાકળ જોયાં
ઉરમાં ઊડે કંડારેલી
વાતોનાયે મૃગજળ જોયાં
અરુણાબેન ત્રિવેદી – અમદાવાદ

વિષય: મનપસંદ
પ્રકાર: પદ્ય
શીર્ષક : શું લખું?


શું લખું? આજ કોઈ વિષય નથી,
પણ; વિચારોના વમળોનો કોઈ અંત નથી!

કલમ પણ હાથ ને ખડિયો ય ખરો,
પણ લાગણીથી ભરેલી એમાં શાહી નથી!

પરિવાર પારાવાર ને સંબંધોય જોરદાર,
પણ હૈયું ઠાલવી શકાય એવું સ્વજન કોઈ નથી!

પ્રગટાવીને થવું રાખ ને બળીને ય રાખ!
સમજીને ભરજે ડગ, સમય જેવું બળવાન કોઈ નથી!

અહો! ઘૂઘવે દરિયો; સમાવે સઘળુ એ દિલદાર,
પચાવી છે એણે જે ખારાશ, એમાં કચાશ કયાંય નથી!

મંદિરોમાં જલે જ્યોત ને ઘંટારવ અપાર,
આતમની જ્યોત જગાવવા; તારો તું જ થા ઓલિયો,
એ જ્યોત જલાવનાર તારા જેવું બીજુ કોઈ નથી!

શું લખું? આજ કોઈ વિષય નથી,
પણ; વિચારોના વમળોનો કોઈ અંત નથી!


વૈશાલી મહેતા.

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા “નિયતી” એડમિન પેનલ