નિફ્ટી ફયુચર ૧૭૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૯૧.૫૨ સામે ૫૯૧૩૧.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૭૯૩.૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૧.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૧૦૬.૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૪૨.૬૫ સામે ૧૭૪૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૮૩.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૫.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૭૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની શરુઆત થઈ ગઈ છે, ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઓપેકે ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કરતાં ફુગાવો વધવાની આશંકાના ભય સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગામી દિવસોમાં મળનારી ધિરાણ નીતિ સમીક્ષાની મીટિંગમાં વ્યાજ દરમાં વધારો નહીં કરવાની શકયતાના અહેવાલે આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.આ સાથે ખાસ એનએવી ઊંચી લઈ જવાની કવાયતમાં ફંડોએ ફ્રન્ટલાઈન અને સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરી હતી.

ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને કારણે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યા હતા અને ટેલીકોમ, ઓટો, રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યરેબલ્સ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે લેવાલીએ બીએસઈ સેનસેક્સ ૧૧૫ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૭૪૫૦ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૬ લાખ કરોડ વધીને રૂ.૨૫૯.૬૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, પાવર, આઈટી, એફએમસીજી, યુટિલિટીઝ, ટેક અને એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૫૬ અને વધનારની સંખ્યા ૨૭૭૩ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ પર એક વ્યાપક રીતે નજર નાખીએ તો જણાય છે કે, વિતેલું વર્ષ ખુબ જ ઉતાર – ચઢાવ ભર્યું રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતના સ્ટોક માર્કેટ અનેક પ્રકારના કારણોથી પ્રભાવિત થયું હતું. જેમાં મુખ્યત્વે ગ્લોબલ સેન્ટ્ર્લ બેન્કની કઠોર નાણાનીતિ, રશિયા-યુક્રેન વોર, વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી અને હાઈ ઈન્ફ્લેશન સામેલ છે. નાણા વર્ષ ૨૦૨૨-૨૩ વૈશ્વિક મોરચે કોરોનાના કાળ બાદની જીઓપોલિટીકલ ટેન્શન અને એના પરિણામે મોંઘવારી – ફુગાવાની વિકટ પરિસ્થિતિએ અનિશ્ચિતતા, અસ્થિરતા અને છેલ્લે અમેરિકા, યુરોપના દેશોમાં બેંકિંગ – ફાઈનાન્શિયલ ક્રાઈસીસના પડકારો લાવી પસાર થઈ ગયું છે.

ભારતમાં તુલનાત્મક આ પડકારોની ઓછી અસર છતાં અન્ય દેશોના સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારાની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને કાબૂમાં લેવા વ્યાજ દરમાં કરેલા વધારાના પરિણામે બજારના સેન્ટીમેન્ટને અસર થઈ છે. ભારતીય બજારોમાં વર્ષ ૨૦૨૧-૨૨ની તુલનાએ વર્ષ ૨૦૨૨-૨૩માં ફોરેન ફંડોની વેચવાલીની તીવ્રતા ઘટતી જોવાઈ છે. આ પરિબળો વચ્ચે આવતી કાલે મંગળવારે ૪, એપ્રિલના મહાવીર જયંતી અને શુક્રવારે ૭, એપ્રિલ ૨૦૨૩ના ગુડ ફ્રાઈડે નિમિતે બે દિવસ ભારતીય શેરબજાર બંધ રહેનાર હોઈ ત્રણ ટ્રેડીંગ દિવસના આગામી દિવસોમાં બજારમાં ભારે વોલેટાલીટી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી યથવાત રહેશે.