નિફ્ટી ફયુચર ૧૭૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૮૯.૩૧ સામે ૫૯૬૨૭.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૫૨૦.૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૯.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩.૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૮૩૨.૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૨૨.૦૦ સામે ૧૭૫૯૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૫૭.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૪૪.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટ યથાવત જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવતાની સાથે જ ભારતીય શેરબજારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું અને બજાર રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. આરબીઆઈની બેઠક અગાઉ શેરબજાર વૈશ્વિક રાહે રેડ ઝોનમાં ખુલ્યું હતું. આરબીઆઈએ લગાતાર છ વારથી થઈ રહેલા રેપો રેટમાં વધારા બાદ તેના પર બ્રેક મારી હતી અને વ્યાજદર યથાવત જાળવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. RBIએ રેપો રેટ યથાવત જાળવી રાખતા રિયલ્ટી, ઓટો અને ફાઈનાન્શિયલ સર્વિસિસ સેક્ટર સહિતના રેટ સેન્સિટિવ શેરોમાં લેવાલીથી શેરબજારમાં તેજી જોવા મળી હતી. મધ્યસ્થ બેન્ક વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરશે તેવી શક્યતા હતી પણ વ્યાજદરમાં કોઈ વધારો ન થતાં શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો. લોકોને રાહત આપતા RBIએ કોઈ પણ જાતનો વધારો કર્યો નથી.

RBIની આજે મળેલી MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. MPCએ રેપો રેટને ૬.૫૦% પર યથાવત રાખ્યો છે. ક્રેડિટ પોલિસીમાં MSF રેટ ૬.૭૫% અને SDF ૬.૨૫% પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં હાલમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. આજે આજે રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, ફાઈનાન્શિયલ, પાવર, ફાર્મા અને બેન્ક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૭૧% અને ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ડયુરેબલ, મેટલ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૩ અને વધનારની સંખ્યા ૨૩૯૩ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વના ઘણા દેશો સતત આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતે તેની સારી સ્થિતિ જાળવી રાખી છે. ઘણા દેશો ઊંચા ફુગાવા, વધતા વ્યાજ દરો અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ભારતને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવી છે.ખાસ કરીને વિકસિત અર્થવ્યવસ્થાઓ ઊંચી ફુગાવો, નીચી વૃદ્ધિ, નોકરીઓની ખોટનો સામનો કરી રહી છે. ઘણા વિકાસશીલ દેશો વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ તમામ વૈશ્વિક પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.હાલ યુનાઇટેડ કિંગડમ (યુકે), કેનેડા અને યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) સાથે વેપાર કરારના અમલીકરણની તારીખ વિશે ચર્ચા કરવામાં આવી છે. ઈઝરાયેલ અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશો સાથે મુક્ત વેપાર કરારો અંગે પ્રાથમિક વાતચીત શરૂ કરી છે.યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ઈએફટીએ)માં ચાર દેશો આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટાઇન છે. આ ચાર દેશોના મંત્રીઓ એપ્રિલમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત માટે ભારતની મુલાકાતે છે.

ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ આગામી સપ્તાહથી શરૂ થઈ રહી છે. મોટી આઈટી કંપનીઓ જેમ કે ટીસીએસ તથા ઈન્ફોસિસ ૧૩મી એપ્રિલના પરિણામો જાહેર કરનાર છે. અમેરિકા તથા યુરોપની બેન્કિંગ કટોકટી ભારતના ૨૪૫ અબજ ડોલરના આઈટી બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (બીપીએમ) ઉદ્યોગને ફટકો મારી શકે છે. દેશના બીપીએમ ઉદ્યોગની કુલ આવકમાંથી અંદાજે ૪૦% આવક બેન્કિંગ, બીએફએસઆઈ ક્ષેત્રમાંથી થાય છે.ટીસીએસ, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી તથા ઈન્ફોસિઝ જેવી કંપનીઓ અમેરિકાની બેન્કોમાં વ્યાપક એકસપોઝર ધરાવે છે, ત્યારે ચોથા ત્રિમાસિક ગાળાના તેમના પરિણામો પર બજારની નજર રહેશે.