જોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા

પગપાળા દોઢ કિલોમીટર જેટલું અંતર ચાલી રાજ્યપાલશ્રી ભાવનગરવાસીઓને મળ્યાં

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર :
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે ત્યારે મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીએ અલંગની મુલાકાત લીધા બાદ વાઘાવાડી રોડ પર આવેલ જોગર્સ પાર્ક ખાતે સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. રાજ્યપાલશ્રી સાથે સાફ સફાઈ દરમ્યાન તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ આ તકે સૌને સ્વચ્છતાનો આગ્રહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા થકી સમગ્ર દેશ સ્વસ્થ અને પવિત્ર બનશે. રાજ્યપાલશ્રીએ દરેક નાગરિકોને સ્વચ્છતાની સાથે સાથે વ્યસનમુક્ત થવા, પાણીનો બચાવ કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો.
\"\"
રાજ્યપાલશ્રીએ ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ૧૫ થી વધુ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના દ્વારા ઉત્પાદિત થતા પ્રાકૃતિક ફળો, શાકભાજી, ધાન્ય પાકો વગેરે રસપૂર્વક નિહાળ્યા હતા અને તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ રાજ્યપાલશ્રી ભાવનગરની વાઘાવાડી રોડ સ્થિત એચ.ડી.એફ.સી.બેન્કથી સંત કંવરરામ ચોક થઈ માધવ દર્શન ચોક સુધીનું આશરે દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલ્યા હતા અને માર્ગમાં આવતા વેપારીઓ તથા નાગરિકોની સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમના ખબર અંતર પૂછ્યા હતા.