અફઘાનિસ્તાન (કાબુલમાં,1934ની પહેલી ડિસેમ્બરે)માં જન્મેલા મૂળ ગુજરાતી એકમાત્ર ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીએ પ્રેક્ષકોની માંગ પ્રમાણે સિક્સર ફટકારી હોવાના અનેક દાખલા છે.
આજથી છ સાત દાયકા અગાઉ મૂળ ગુજરાતી સલીમ દુરાની જે સ્ટેન્ડમાંથી પ્રેક્ષકની ડિમાન્ડ આવે તે તરફ સિક્સર ફટકારતા. સલીમ દુરાની એવી લોકચાહના ધરાવતા કે 1973માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેમનો સમાવેશ ના થતાં સ્ટેડિયમમાં \”નો દુરાની નો ટેસ્ટ\” ના બેનર લાગ્યા હતા. સલીમ દુરાની સાથે એવા અનેક કિસ્સા જોડાયેલા છે.
ચેન્નાઈના ચેપોક ખાતેની ટેસ્ટમાં ભારતને જીતવા 86 રન કરવાના હતા તેમાં સ્કોર ચાર વિકેટે 51 થઈ ગયો હતો. સલીમ દુરાની અને મનસૂર અલી ખાન પટૌડી વચ્ચે મહત્ત્વની ભાગીદારી થઈ રહી હતી ત્યારે ઇંગ્લૅન્ડના સ્પિનર નોર્મન ગિફોર્ડના એક બૉલ પર સલીમ દુરાનીએ મિડવિકેટ પર ઑન ડિમાન્ડ સિક્સર ફટકારી ત્યારે બૉલરે તેમની નજીક જઈને કહ્યું \”દુરી (દુરાની) તું આ રીતે ક્રૉસ બૅટ ના રમી શકે\” સામે દુરાનીએ જવાબ આપ્યો \”પ્રેક્ષકોની ડિમાન્ડ હતી જા બૉલ શોધ અને બૉલિંગ કર\” અંતે ભારતે મૅચ જીતી લીધી. દુરાનીએ 38 રન બનાવ્યા હતા.1971માં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં ટેસ્ટ અને ત્યાર બાદ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સિરીજમાં સુનિલ ગાવસ્કર પ્રથમ ટેસ્ટ રમ્યા હતા.પોર્ટ ઑફ સ્પેન ખાતેની ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે એક વિકેટે 150 રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો. ભારતના એ સમયના સફળ સ્પીનરો પ્રસન્ના, બિશનસિંઘ બેદી અને વેંકટરાઘવન વિકેટ લેવામાં સફળ નહોતા લઈ રહ્યા. ત્યારે ડ્રિન્ક્સ આવ્યું તે સમયે સલીમ દુરાનીએ કૅપ્ટન અજિત વાડેકર પાસેથી બૉલ લીધો અને કહ્યું તમારા આ મહાન સ્પિનર લૉઇડને આઉટ નહીં કરી શકે. તેમણે બોલિંગ કરી જેમાં લૉઇડને આઉટ કર્યા અને મહાન ગેરી સૉબર્સને તો ક્લીન બોલ્ડ કરી દીધા. આ બે વિકેટે મૅચનું પાસું પલટી નાખ્યું અને ભારતે સાત વિકેટથી મૅચ જીતી લીધી અને સિરીઝ પણ અંકે કરી ઇતિહાસ રચ્યો હતો.
આજના ક્રિકેટરોને જેવી લોકપ્રિયતા સાંપડે છે તેવી લોકપ્રિયતા આજથી 50 વર્ષ અગાઉ કોઈપણ સોશિયલ મીડિયા વિના સલીમ દુરાનીને સાંપડી હતી. ક્રિકેટની દુનિયાના છોડ્યા પછી પણ તેમની લોકપ્રિયતા એટલીજ જ હતી 1993-94 વખતે રવિ શાસ્ત્રી, સચીન તેંડુલકર અને સંજય માંજરેકર સુપર સ્ટાર મનાતા હતા. રાજકોટમાં વેસ્ટ ઝોન અને સાઉથની દુલીપ ટ્રૉફીની મૅચ ચાલી રહી હતી અને ત્યારે સલીમ દુરાનીનું આગમન થયું. તેમને જોતાં જ રવિ શાસ્ત્રી અને માંજરેકર પોતાના સ્થાને ઉભા થઈ તેમનું સ્વાગત અને સન્માન કર્યું.
1961માં ભારત સરકારનો સૌ પ્રથમ અર્જુન ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો અફઘાનિસ્તાન (કાબુલમાં, 1934ની પહેલી ડિસેમ્બરે)માં જન્મેલા એકમાત્ર ભારતીય ટેસ્ટ ક્રિકેટર સલીમ દુરાનીને 2018માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ ત્યારે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ એ મૅચમાં હાજર પણ રહ્યા હતા.
સલીમ દુરાની એક ક્રિકેટર તરીકે તો લોકપ્રિય હતા જ સાથે-સાથે તેમણે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.1973માં મહાન અભિનેતા દેવ આનંદે એક કાર્યક્રમમાં મુલાકાત વખતે સવાલ કર્યો હિરો બનોગે? અને તેમણે ઑફર સ્વીકારી લીધી. ફિલ્મ ચરિત્રમાં તેમણે પરવીન બાબી સાથે કામ કર્યું હતું ત્યાર પછી તો તેમને અશોકકુમાર અને મીનાકુમારી સાથે સારા સંબંધ હતા. સાઉથમાં તેઓ શિવાજી ગણેશન અને જેમિની ગણેશનના મિત્ર હતા તો કોલકાતામાં મહાન ગાયક અને સંગીતકાર હેમંતકુમાર સાથે સલીમ દુરાનીને પારિવારિક સંબંધ હતો. ઉદ્યોગપતિથી માંડીને નેતાઓ અને મહારાજાઓ સાથે પણ તેમની મિત્રતા હતી.
સલીમ દુરાની એક માયાળુ અને લાગણીશીલ સ્વભાવ ધરાવે છે એક વાર શિયાળાની રાત્રે એક વૃદ્ધ ભિખારીએ તેમની પાસે મદદ માંગી તો સલીમ દુરાનીએ પોતાનું સ્વેટર અને દસ રૂપિયા આપ્યા. જે સ્વેટર ભિખારીને આપ્યું એ રાજસ્થાન ક્રિકેટ ટીમનું સત્તાવાર સ્વેટર હતું કેમ કે એ વખતે તેઓ રાજસ્થાન માટે રણજી ટ્રૉફી રમતા હતા. સ્વેટર આપીને તેઓ કારમાં બેસી ગયા પણ સાથી ખેલાડીએ યાદ અપાવ્યું કે તે સત્તાવાર સ્વેટર આપી દીધું છે તો તકલીફ થશે. સલીમ દુરાનીએ ભિખારીની ઘણી શોધખોળ છતાં તે ભિખારીને પત્તો લાગ્યો નહીં.
એક વાર શિયાળામાં ટ્રેનની મુસાફરી દરમિયાન તેમણે સુનિલ ગાવસ્કરને પોતાનો કોટ આપી દીધો હતો જેથી ગાવસ્કર ઠંડીથી બચી શકે, પોતે આખી રાત ધ્રુજતા રહ્યા પણ ગાવસ્કરે સારી રીતે ઊંઘ કરી લીધી.
1960માં ભારતીય પસંદગીકાર લાલા અમરનાથની સૂચનાથી કેટલાક યુવાન ક્રિકેટરોને ભારતીય ટીમની સાથે રાખવામાં આવ્યા હતા જેથી તેમને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ મળી રહે. આ યુવાનોમાં દુરાની પણ હતા.
મુંબઈ ટેસ્ટ સમયે લાલા અમરનાથે દુરાનીને બોલાવીને કહ્યું કે જશુ પટેલ બીમાર હોવાથી આ ટેસ્ટમાં તમારે રમવાનું છે આ રીતેસલીમ દુરાનીએ ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો. સ્થળ હતું બ્રેબોર્ન સ્ટેડિયમ અને હરીફ ટીમ હતી રિચી બેનોની ઑસ્ટ્રેલિયન ટીમ. આ મેચમાં સૌના આશ્ચર્ય વચ્ચે રણજીમાં પ્રારંભે સદી ફટકારનારા આ ઑલરાઉન્ડરને દસમા ક્રમે બૅટિંગમાં મોકલાયા હતા.
સલીમ 29 ટેસ્ટ રમ્યા જેમાં એક સદી અને સાત અડધી સદી સાથે 25.04ની સરેરાશથી 1202 રન ફટકાર્યા અને બૉલિંગમાં 75 વિકેટ પણ લીધી. મૅચમાં દસ વિકેટ પણ ઝડપી અને ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે 1961ની સાલમાં ભારત સરકારનો સૌપ્રથમ અર્જુન ઍવૉર્ડ એનાયત થયો અને 2011માં બીસીસીઆઈનો લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ પણ તેમને આપવા આવ્યો હતો. સલીમ દુરાની આજે જામનગરમાં શાંતિપૂર્ણ જીવન પસાર કરી રહ્યા છે.