નિફ્ટી ફયુચર ૧૭૯૦૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૪૩૧.૦૦ સામે ૬૦૩૮૫.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૪૪૨.૪૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૬૫.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૦.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૧૦.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૭૯.૬૫ સામે ૧૭૮૨૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૬૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજાર સતત નવ સેશનની તેજી બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યં હતું. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝનમાં આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના અપેક્ષાથી સાધારણ નબળા પરિણામે શરૂ થતાં અને ઈન્ફોસીસના સાધારણ પરિણામ જાહેર થતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે આઈટી શેરોમાં ફંડોના ઓફલોડિંગે ઈન્ડેક્સ બેઝડ ધોવાણ થયા બાદ ફંડોએ નીચા મથાળે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં તેજી કરતાં નીચા મથાળે રીકવરી જોવા મળી હતી.

વૈશ્વિક મોરચે ગત સપ્તાહના અંતે ક્રેડિટ સ્વિસને ઉગારી લેવા સ્વિઝ સરકારના પેકેજને સંસદમાં નકારાયાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર ભારતીય શેરબજારોમાં આજે જોવા મળી હતી. સ્થાનિક સ્તરે આજે ઈન્ફોસિસના શેરોમાં ૯.૪૦%ના ઘટાડા સાથે અન્ય આઈટી શેરો અને ટેકનો શેરોમાં જોરદાર વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૫૨૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં ૧૧૯ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૦૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૫.૯૧ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૭ અને વધનારની સંખ્યા ૧૮૪૯ રહી હતી, ૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન શરૂ થઈ ગઈ છે. આઈટી જાયન્ટ ટીસીએસ અને ઈન્ફોસીસ બન્નેએ વૈશ્વિક અનિશ્ચિતતાની પરિસ્થિતિ અને બેંકિંગ ક્ષેત્રે અસ્થિરતાને લઈ અપેક્ષાથી નબળા પરિણામ રજૂ કર્યા છે. પરંતું ચાલુ સંપૂર્ણ નાણા વર્ષ માટે આવક વૃદ્વિના અંદાજો જાળવીને મજબૂત ઓર્ડર બુક થકી આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બેંકિંગ ક્ષેત્રે રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારાને બ્રેક લગાવતાં ફુગાવાની સ્થિતિ વધુ હળવી થવાના સંજોગોમાં આગામી દિવસોમાં આર્થિક રિકવરી વેગ પકડવાની શકયતા છે. બેંકોના પરિણામો પાછલા વર્ષ દરમિયાન ઊંચા વ્યાજ દરોને લઈ સારા આવવાના અંદાજો મૂકાઈ રહ્યા છે. જેથી કોર્પોરેટ પરિણામોના દોરમાં આગામી દિવસોમાં વધુ કંપનીઓના પરિણામો જાહેર થવાની સાથે સાથે અન્ય કોઈ નેગેટીવ પરિબળોની ગેરહાજરીમાં બજારનું સેન્ટીમેન્ટ સુધારાનું જળવાઈ રહેવાની અપેક્ષા છે.

ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અથડાતી ચાલની શકયતા વચ્ચે આગામી દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો ચળકાટ વધતો જોવાઈ શકે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી ભારતીય શેરબજારમાં આકર્ષક વેલ્યુએશને શેરોમાં સતત ખરીદદાર બની રહ્યા છે. જે પોઝિટીવ સંકેત છે સાથે અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટી નહીં વકરવાના સંજોગોમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ એશીયાના બજારોમાં વધવાની અપેક્ષાએ સારા ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં આકર્ષણ વધવાની અપેક્ષા જોવાઈ રહી છે.