નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૬૭.૮૦ સામે ૫૯૫૮૬.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૪૮૯.૯૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૬.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૬૩૨.૩૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૪૯.૬૫ સામે ૧૭૬૮૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૧૦.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૫૫.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક નરમાઈની અસર સાથે સ્થાનિક સ્તરે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ગત સપ્તાહમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં શરૂ થયેલું મોટું ઓફલોડિંગ બાદ વૈશ્વિક પડકારો વધી રહ્યાના અને બેંકિંગ-ફાઈનાન્શિયલ ક્ષેત્રે કટોકટીને લઈ બિઝનેસ તકો ઘટી રહ્યાના અહેવાલ વચ્ચે કંપનીઓના પરિણામો નબળા પડવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી સાથે વૈશ્વિક આર્થિક મંદીની સ્થિતિ વકરવાના એંધાણે એક તરફ ક્રુડ ઓઈલના ભાવ ફરી તૂટવા સાથે અમેરિકા, યુરોપ, એશીયાના બજારોમાં આજે નરમાઈ સાથે આજે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો, જો કે સ્મોલકેપ, રોકડાના શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરો, ખેલંદાઓ ખરીદદાર રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને કારણે ભારે બે તરફી અફડા – તફડી જોવા મળ્યા બાદ યુટિલિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, ઈન્ડસ્ટ્રિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલીએ બીએસઈ સેન્સેક્સ ૬૪ પોઈન્ટ, જ્યારે નિફ્ટી ફ્યુચર ૦૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૧૯ લાખ કરોડ વધીને રૂ.૨૬૫.૩૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, રિયલ્ટી, કમોડિટીઝ, મેટલ, એફએમસીજી, એનર્જી, આઈટી, અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૭ અને વધનારની સંખ્યા ૧૯૧૧ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ૧૨૮.૫૫ બિલિયન ડોલર રહ્યો હતો. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૭.૬૫% વધીને ૧૨૮.૫૫ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે.

બીજી તરફ, ૨૦૨૨-૨૩માં ભારત-ચીનનો વેપાર અગાઉના વર્ષના ૧૧૫.૪૨ અબજ ડોલરથી ૧.૫% ઘટીને ૧૧૩.૮૩ અબજ ડોલર થયો છે. નાણાકીય ૨૦૨૨-૨૩માં ભારતથી ચીનમાં નિકાસ ૨૮% ઘટીને ૧૫.૩૨ અબજ ડોલર થવાની ધારણા છે, જ્યારે આયાત ૪.૧૬% વધીને ૯૮.૫૧ અબજ ડોલર થવાની ધારણા છે, ત્યારે આગામી દિવસોમાં અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટી નહીં વકરવાના સંજોગોમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ એશીયાના બજારોમાં વધવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં સારા ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં આકર્ષણ વધવાની અપેક્ષા જોવાઈ રહી છે.