નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૪.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૩૨.૩૫ સામે ૫૯૫૩૮.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૪૧૨.૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૮.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૬૫૫.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૫૫.૮૦ સામે ૧૪૬૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૮૩.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૫૭.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચાલુ ટ્રેડિંગ સત્રના છેલ્લા દિવસે એચસીએલ ટેકનોના પરિણામ બાદ નિરાશા અને માર્કેટકેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ત્રિમાસિક પરિણામ જાહેર થતા પૂર્વે બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. રિયલ્ટી, મેટલ અને ઓટો શેરોમાં વેચવાલી સામે આઈટી, ટેકનો, એફએમસીજી અને ટેલીકોમ શેરોમાં લેવાલીથી ભારતીય શેરબજાર સાધારણ વધીને બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૩૭ લાખ કરોડ વધીને રૂ.૨૬૪.૯૮ લાખ કરોડ રહ્યું હતું.

ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેકનો, એચડીએફસી, કોટક બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. આઈટીસીના શેરોમાં સૌથી વધુ ૧.૯૨%નો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાકેમ્કો, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે. ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૨.૨૯% નો ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ટેક, હેલ્થકેર, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૩ અને વધનારની સંખ્યા ૧૫૪૫ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, છેલ્લા દાયકામાં પ્રથમ વખત, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણનો પ્રવાહ ઇક્વિટી બજારના ભૂતકાળના પ્રદર્શન કરતાં નોંધપાત્ર રીતે અલગ છે કારણ કે રોકાણકારોએ સુસ્ત વળતર છતાં રોકાણમાં વઘારો કર્યો છે. પ્રાઇવેટ રીપોર્ટ દર્શાવે છે કે નવેમ્બર ૨૦૨૨થી ઘણી યોજનાઓ માટે નબળા એક-વર્ષના વળતર છતાં ઇક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ મજબૂત રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧થી ઇક્વિટી માર્કેટમાં અન્ડરપરફોર્મન્સના અગાઉના દરેક સમયગાળામાં, ૬ મહિનાના સમયગાળા પછી મૂડી પ્રવાહમાં ઘટાડો થયો હતો.

ઉપરાંત બેંકોના પરિણામો પાછલા વર્ષ દરમિયાન ઊંચા વ્યાજ દરોને લઈ સારા આવવાના અંદાજો મૂકાઈ રહ્યા છે. જેથી કોર્પોરેટ પરિણામોના દોરમાં આગામી દિવસોમાં વધુ કંપનીઓના પરિણામો જાહેર થવાની સાથે સાથે અન્ય કોઈ નેગેટીવ પરિબળોની ગેરહાજરીમાં બજારનું સેન્ટીમેન્ટ સુધારાનું જળવાઈ રહેવાની અપેક્ષા છે. ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અથડાતી ચાલની શકયતા વચ્ચે આગામી સપ્તાહમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો ચળકાટ વધતો જોવાઈ શકે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી ભારતીય શેરબજારોમાં આકર્ષક વેલ્યુએશને શેરોમાં સતત ખરીદદાર બની રહ્યા છે. જે પોઝિટીવ સંકેત છે.