વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સાથે સ્થાનિક સ્તરે સેકન્ડરી માર્કેટમાં LIC ઓફ ઈન્ડિયાના આઈપીઓ પર ભારતીય શેરબજારની નજર…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૮૧૯.૩૯ સામે ૫૭૨૯૬.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૯૩૬.૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૩.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૧.૬૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૫૨૧.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૫૩.૮૦ સામે ૧૭૧૪૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૭૨.૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૮.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૧.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૪૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેગા રૂ.૨૧૦૦૦ કરોડનો આઈપીઓ ૪, મે ૨૦૨૨ના જાહેર થવાની સાથે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને પોઝિટિવ કરીને રોકાણકારોને આકર્ષવાની કવાયતમાં આજે ફંડોએ એપ્રિલ વલણના અંતે જંગી શોર્ટ કવરિંગ સાથે શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી. ફુગાવો – મોંઘવારી, ચાઈના સહિતમાં કોરાનાના ઉપદ્રવે સપ્લાય ચેઈન ખોરવાતાં વિશ્વની વધેલી ચિંતા અને યુક્રેન – રશિયા યુદ્વના ચાલતાં રશિયાની ત્રીજા વિશ્વ યુદ્વના સંકેતના કારણે જીઓપોલિટીકલ ટેન્શન વધ્યા સાથે સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી છતાં લોકલ ફંડોએ જાણે કે એડવાન્ટેજ ઈન્ડિયા હોય એમ શેરોમાં સાર્વત્રિક તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો નોંધાતા ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે રાહતના સંકેતે ઓટો શેરોમાં તેજી સાથે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેલ્યુબાઈંગ કરતાં અને એફએમસીજી, પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને બેન્કેકસ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સ ૭૦૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૯૧ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઝડપી ઘટી આવતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં મોટી વૃદ્વિની શકયતા હવે ઘટતાં ગઈકાલે શેરોમાં વ્યાપક કડાકા બાદ આજે શેરોમાં ફરી મોટાપાયે તેજી જોવાઈ હતી. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં અનેક શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિયતા સાથે વ્યાપક ખરીદી થતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૩ અને વધનારની સંખ્યા ૧૬૫૬ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતના સૌથી મોટા આઈપીઓની આધિકારીક જાહેરાત થઈ ચૂકી છે. આગામી સપ્તાહે એલઆઈસીનો આઈપીઓ ખુલશે. જોકે તે પહેલાં જ રોકાણકારોનો ક્રેઝ સાતમા આસમાને છે. આઈપીઓની જાહેરાત પૂર્વે જ દેશમાં કરોડો નવા એકાઉન્ટ ખુલ્યાં છે અને એક્ટિવ થયા છે. અંદાજીત છેલ્લા ૧૨ મહિનામાં એક્ટિવ ડીમેટ ખાતાઓની સંખ્યા ૬૩% વધીને ૮.૯૭ કરોડ થઈ છે. આ આંકડા માર્ચના અંત સુધીના છે. નિષ્ણાતોના મતે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે કારણ કે લોકો એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છુક છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (CDSL)ની એક્ટિવ ડીમેટ એકાઉન્ટની સંખ્યા ૬.૩ કરોડ છે. તેમાંથી ૩૭.૨ લાખ કરોડ રૂપિયાની અસ્કયામતો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (NSDL)ના એક્ટિવ ડીમેટ ખાતાઓની સંખ્યા ૨.૬૭ કરોડ છે.

દેશની સૌથી મોટી વીમા કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૯૦૨ થી ૯૪૯ સુધી નક્કી કરી છે. LIC પોલિસીધારકોને આમાં રૂ.૬૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપની રિટેલ રોકાણકારોને શેર દીઠ રૂ.૪૫નું ડિસ્કાઉન્ટ પણ આપશે. સાઇઝ ઘટીને રૂ.૨૧,૦૦૦ થયા પછી પણ LICનો IPO દેશનો સૌથી મોટો IPO હશે. સરકારે પહેલો ફેરફાર એ કર્યો છે કે ૫%ને બદલે હવે તે LICમાં માત્ર ૩.૫% હિસ્સો વેચવા જઈ રહી છે. બીજું, એલઆઈસીનું મૂલ્યાંકન અગાઉના અંદાજો કરતા ઘણા ઓછા દરે નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ LICનું વેલ્યુએશન ૧૬-૧૭ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. સરકારે તેની સામે માત્ર રૂ.૬ લાખ કરોડનું મૂલ્યાંકન કર્યું છે. આગામી દિવસોમાં સેકન્ડરી માર્કેટમાં એલઆઈસી ઓફ ઈન્ડિયાના આઈપીઓ પર પ્રાઇમરી માર્કેટની નજર રહેશે.